Cyber Crime

સાયબર ક્રાઇમના પ્રકારો.

સાયબર પોર્નોગ્રાફી

વર્તમાન સમયનો સૌથી ગંભીર પ્રકારનો ગુન્હો કહી શકાય. કોમ્પ્યુટરના માધ્યમથી બિભત્સ કે, જુગુપ્સા પ્રેરક ફોટાઓ કે વીડીયો પ્રસારીત કરવા કે અન્ય લોકો જોઇ શકે તે રીતે ઓનલાઇન મુકવા તેને સાયબર પોર્નોગ્રાફી કહેવામાં આવે છે. હાલ આ પ્રકારના ગુન્હાઓનો ભોગ બાળકો સૌથી વધારે બની રહેલ છે. કોઇના પણ અશ્લીલ ચિત્રો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઇલ ફોનના માધ્યમથી પ્રસિધ્ધ કરવા તે ગુન્હો બને છે. આવા કૃત્યોમાં જ્યારે બાળકોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ચાઇલ્ડ પોર્નોગ્રાફી કહે છે. આ જધન્ય અપરાધ છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી સામગ્રી ઓનલાઇન સર્ચ કરવી તે પણ ગુનો છે.

સાયબર મની લોંડરીંગ

અગાઉ અમેરીકામાં ચાલી રહેલ માફીયા વોર દરમ્યાન આ શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. માફીયાઓ તેઓના ગેરકાયદેસરના ધંધાઓ માટે લોકોના કાયદેસરના નાણાં ગેરકાયદેસર રીતે મેળવતા અને બાદ તેનો ઉપયોગ અસામાજીક પ્રવૃતિઓ માટે કરવામાં આવતો. વર્તમાન સમયમાં આ કૃત્ય ઇન્ટરનેટ મારફતે કરવામાં આવી રહેલ હોઇ તેને સાયબર મની લોંડરીંગ કહેવામાં આવે છે. લોકોને ઇમેઇલ અથવા ટેકસ મેસેજ મારફતે મસમોટા ઇનામોની લાલચ આપી, જાણીતી કંપનીઓના નામનો ઉપયોગ કરી લોકો પાસેથી એડવાન્સમાં થોડી થોડી રકમ મેળવી ફસાવવામાં આવે છે.

સાયબર સ્ટોકીંગ

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અવનવા ટૂલ્સનો દૂરઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી/બદલાવી સતત પીછો કરવાની પ્રવૃતિને સાયબર સ્ટોકીંગ કહેવાય છે. પીછો કરનાર વ્યક્તિ ઇન્ટરનેટ પર ભોગ બનનાર દ્વારા બદલવામાં આવતા મેઇલ આઇ.ડી., સોશીયલ નેટવર્કીંગ વેબસાઇટ પરના પ્રોફાઇલ આઇ.ડી. વિગેરેની માહિતી મેળવી સતત પીછો કરતો રહે છે.

ફીશીંગ

કોઇ કંપનીની અથવા બેન્કની ઓરીજીનલ વેબસાઇટ જેવી જ બનાવટી વેબસાઇટ બનાવી તેના પર લોકોને ઇમેઇલ દ્વારા કે મેસેજ દ્વારા આમંત્રણ આપી તેઓની અંગત વિગતો મુકવા માટે લલચાવવા અને બાદમાં લોકો દ્વારા આપવામાં આવેલ વિગતોનો ઓરીજીનલ વેબસાઇટ મારફતે નાણાંકીય ફાયદો મેળવવા માટે ઉપયોગ કરવો તેને ફીશીંગ કહેવાય છે. હાલના સમયમાં આવા પ્રકારના એટેક તમારા મેઇલ ઇનબોકસ મારફતે થતાં હોય છે. જેમાં તમોને કોઇ બેન્કની લીંક મોકલી તે લીંક પરથી તમારા બેન્ક એકાઉન્ટની વિગતો અપડેટ કરવા જણાવવામાં આવે છે.

સોફટવેર પાઇરસી

ટેકનોલોજીના આ સમયમાં આપણું કામ આસાન કરતા ઘણાં બધા સોફટવેર નેટ પર ઉપલબ્ધ છે. આ સોફટવેર બનાવવા માટે કંપનીઓ કેટકેટલું રિસર્ચ કરતી હોય છે અને તે બનાવવા પાછળ લાખો અને કરોડો રૂપીયાઓનું રોકાણ કરતી હોય છે. ઘણાં લેભાગુ લોકો આવા સોફટવેરની ગેરકાયદેસરની કોપી બનાવી તેમાંથી આર્થિક ફાયદો મેળવવા પ્રયત્ન કરતાં હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાઇરેટેડ સોફટવેર બનાવવા કે વેંચવા અથવા વાપરવા એ પણ ગુન્હો જ છે. આવી ગેરકાયદેસરની નકલ બનાવવાથી અસલ કંપનીને કેટલું આર્થિક નુકશાન થતું હશે તે સમજી શકાય તેવી બાબત છે.

સાયબર સ્પુફીંગ

સાયબર સ્પૂફીંગ એ કોઇ વ્યક્તિનું ઇમેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર કે કોઇ કોમ્પ્યુટરના આઇ.પી. એડ્રેસનો દૂરઉપયોગ કરી પોતાની ઓળખ છૂપાવી ગેરકાયદેસર કામ કરવું તેને કહી શકાય. તમારા પર આવતા અજાણ્યા નંબરોના ફોનકોલ્સ, અજાણ્યા ઇમેઇલ એડ્રેસ પરથી આવતા ઇમેઇલ વિગેરેનું વેરીફીકેશન કર્યા બાદ જ તે રીસીવ કરવા અથવા મેઇલ ખોલવા. હાલમાં તમારા પોતાના મોબાઇલ નંબરો છૂપાવીને કે તમારૂં ઇમેઇલ એડ્રેસ છૂપાવીને કોઇની સાથે કોમ્યુનીકેશન કરવું તે સહેલું છે. પરંતુ એક વાત યાદ રાખવી કે, કોમ્પ્યુટર કે મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક ડીવાઇસનો ઉપયોગ થયો હોય તો તે બધું ટ્રેસેબલ છે, એટલે કે, તે તમામ કોમ્પ્યુનીકેશન કયાંથી ઉદૃભવેલ છે તેનો ખ્યાલ આવી શકે છે. માટે કોઇ સાથે સ્પૂફીંગ ની મદદથી મજાક કરવી તે પણ ગુન્હો બને છે.

સાયબર બુલીંગ

ઇન્ટરનેટ તથા મોબાઇલ મેસેજીંગના ઉપયોગથી બાળકોને માનસિક આઘાત પહોંચાડવાના કૃત્યને સાયબર બુલીંગ કહેવાય છે. કોલેજોમાં તથા રેગીંગની ઇન્ટરનેટ આવૃતિ કહી શકાય. તમારૂં બાળક જ્યારે મોબાઇલ ફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની ના પાડે ત્યારે તેને વિશ્વાસમાં લઇને તપાસ કરી લેવી કે, તેને કોઇ મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ મારફતે અપમાનજનક કે આઘાતનજક સંદેશાઓ તો નથી મોકલી રહ્યું ને?